રાજ્યમાં ઠેરઠેર કમોસમી વરસાદ, માવઠાથી ખેડૂતોની હાલત કફોડી

રાજ્યના આ વિસ્તારોમાં ખેડૂતોની ભાઈ બીજ બગડી, વરસાદના કારણે ખેતીને નુકશાની જવાની શક્યતા

રાજ્યના આ વિસ્તારોમાં ખેડૂતોની ભાઈ બીજ બગડી, વરસાદના કારણે ખેતીને નુકશાની જવાની શક્યતા


રાજયમાં દિવાળી ટાણે 'ક્યાર' વાવાઝોડા બાદ ફરી એક વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. અરબી સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં ભાઈ બીજે રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો છે. એક તરફ ડાંગર અને મગફળીના પાક ખેતરમાં અથવા તો યાર્ડમાં પહોંચી રહ્યા છે ત્યારે આ વરસાદ ખેડૂતોની કમર તોડી નાખે તેવી ભીતી છે. આજે રાજ્યના નર્મદા, અને કચ્છમાં ધોધમાર વરસાદ વરસ્યો છે, જ્યારે રાજકોટ ગ્રામ્ય, અમેરલી,ડાંગ, અંબાજી સહિત અનેક વિસ્તારોમાં વરસાદની એન્ટ્રી થઈ છે.

માવઠાથી ખેડૂતોની હાલત કફોડી બની છે. રાજ્યમાં આગામી પાંચ દિવસ હજુય વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક ઠેકાણે આજે વરસાદ પડ્યો છે.

ઉતર ગુજરાતમાં ભારે વરસાદ ખેડૂતો ને નુકસાન 


ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠાના થરાદ વાવ સુઈગામ તાલુકામાં વિસ્તારમાં કમોસમી વરસાદ પડ્યો હતો વરસાદ ના લીધે ખેડૂતો ને ચોમાસું પાક માં મોટા પાયે નુકસાન થયું છે ત્યારે બીજી બાજુ શિયાળુ પાકમાં પણ મોડા પડયા હોવાથી તેમાં પણ નુકસાન થાય તેવી વાતો લોકો ના મુખે ચર્ચાઈ રહ્યું છે તો અંબાજીના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. કાળા ડિંબાગ વાદળો છવાતા અંબાજીનો માહોલ નયનરમ્ય બન્યો હતો.

અમરેલી જિલ્લાના અનેક ગામડામાં ભારે વરસાદ પડ્યો છે. કચ્છના પૂર્વ વિસ્તારમાં અંજાર, ગાંધીધામ વિસ્તારમાં વરસાદ પડ્યો છે. રાજકોટ ગ્રામ્યના અનેક વિસ્તારોમાં માવઠું પડ્યું હતું. ખેડૂતોને આ વરસાદે ચિંતામાં મૂકી દીધો છે. શિયાળાની શરૂઆતમાં કમોસમી વરસાદ પડતાં ધરતીપુત્રોની દશા કફોડી થઈ છે.

મધ્યગુજરાતમાં દાહોદથી લઈને નર્મદા, ડાંગ પંથકના અનેક વિસ્તારોમાં આજે વરસાદ વરસ્યો છે. નર્મદામાં રાજપીપળા સહિતના પંથકમાં તો વરસાદના કારણે પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાઈ હતી. જાણે કે ચોમાસું જામ્યુ હોય તેવી રીતે વરસાદ ખાબકતાં ખેડૂતો સહિત અનેક લોકોનો તહેવાર બગડ્યો છે. આ ઉપરાંત સુરતના ડીંડોલીમાં પણ ત્રણ દિવસથી વરસાદ વરસી રહ્યો છે.