About Me

વાઇરલ કંકોત્રીના દુલ્હા સાથે ખાસ વાતચીત:કપરાડાના પ્રકાશ ગાવિતે કહ્યું- 'બે નહીં, હું એક જ યુવતી સાથે લગ્ન કરીશ, બીજી તો મારી પત્ની છે જ'

વાઇરલ કંકોત્રીના દુલ્હા સાથે ખાસ વાતચીત:કપરાડાના પ્રકાશ ગાવિતે કહ્યું- 'બે નહીં, હું એક જ યુવતી સાથે લગ્ન કરીશ, બીજી તો મારી પત્ની છે જ'


પ્રકાશ બંને પત્ની સાથે વર્ષોથી રહે છે.


કુસુમ ગાવિત નામની યુવતી સાથે અગાઉ લગ્ન થઈ ગયા છે

હવે 9 મેના રોજ નયના ગાવિત નામની યુવતી સાથે લગ્ન કરશે

બંને જણ સાથે પ્રકાશ છેલ્લાં 15 વર્ષથી રહે છે, બંનેથી બે-બે બાળકો છે

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના નાનાપોંઢા ગામે 9 મેના રોજ યોજાનારા લગ્નની એક કંકોત્રી સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ છે. આ લગ્નની ચર્ચા એટલા માટે છે કે કંકોત્રીમાં એક વરની સામે બે કન્યાના નામ લખવામાં આવ્યાં છે, એટલે કે યુવક એક જ લગ્નમંડપમાં બે યુવતી સાથે લગ્ન કરશે. આ અંગે દિવ્યભાસ્કરની ટીમે પરિવાર સાથે વાત કરી છે. એમાં જાણવા મળ્યું છે કે પ્રકાશ ગાવિત બે નહીં, પણ એક જ યુવતી સાથે લગ્ન કરશે. બીજી યુવતીને ખોટું ન લાગે એ માટે કંકોત્રીમાં નામ લખવામાં આવ્યું છે.


બંને પત્ની અને બાળકો સાથે પ્રકાશ.


બંને પત્નીને બે-બે બાળકો


કપરાડાના નાનાપોંઢાના પ્રકાશ ગાવિતની લગ્નની કંકોત્રી વાઇરલ થતાં ચર્ચામાં આવી છે. જોકે આ અંગે દિવ્યભાસ્કરની ટીમે પ્રકાશ ગાવિત જોડે વાતચીત કરી હતી. એમાં જાણવા મળ્યું કે પ્રકાશ ગાવિત બે પત્ની સાથે ઘણાં વર્ષોથી રહે છે. એક પત્ની સાથે અગાઉ લગ્ન થઇ ગયા છે, જ્યારે બીજી સાથે લિવ- ઈનમાં રહે છે. બંને પત્નીને બે-બે બાળકો છે.


ડાબેથી નયના અને કુસુમ.


એક જ કન્યા સાથે લગ્ન કરશે


અગાઉ પ્રકાશના લગ્ન કુસુમ ગાવિત નામની યુવતી સાથે થઇ ગયા છે. જ્યારે હવે તે નયના ગાવિત નામની યુવતી સાથે લગ્ન કરશે. જોકે કુસુમને ખોટું ન લાગે એટલે તેનું નામ કંકોત્રીમાં લખવામાં આવ્યું છે. બંને પત્ની અને પરિવારના સભ્યોની સહમતીથી બીજા લગ્ન 9મી મેના રોજ રાખવામાં આવ્યા છે. લગ્નમંડપમાં માત્ર એક જ કન્યા સાથે લગ્ન કરવામાં આવશે, એમ દુલ્હાએ જણાવ્યું છે.

     

પ્રકાશ અને નયના.


બંને પત્ની અને તેમનાં પરિવારજનોની સહમતી: પ્રકાશ ગાવિત

પ્રકાશ ગાવિતે જણાવ્યું હતું કે મારી કંકોત્રી વાઇરલ થઇ છે. એમાં બે પત્નીનાં નામ છે, જેમાં કુસુમ સાથે મારા અગાઉ લગ્ન થઇ ગયેલા છે, જ્યારે નયના સાથે હું હવે લગ્ન કરીશ. કુસુમને દુ:ખ ન લાગે એ માટે બંનેના નામ લખ્યાં છે. હું બંને સાથે રહું છુ. નયના સાથે લગ્નની વિધિ બાકી હોવાથી હવે અગામી નવમી તારીખે લગ્ન કરીશ. એક હજાર જેટલી કંકોત્રી સંબંધીઓને અપાઇ છે. આ લગ્ન બંને પત્ની અને તેમનાં પરિવારજનો અને મારાં પરિવારજનોની સહમતીથી થવા જઇ રહ્યાં છે.


પ્રકાશ અને કુસુમ.


આર્થિક પરિસ્થિતિને કારણે લગ્ન નહોતા થયા: દુલ્હન- નયના ગાવિત


નયના ગાવિતે જણાવ્યું હતું કે મારા અને પ્રકાશના લગ્ન થવાના છે. કુસુમને ખોટું ન લાગે માટે કંકોત્રીમાં તેનું નામ લખવામાં આવ્યું છે. અમે વર્ષોથી જોડે રહીએ છીએ. પહેલાં ઘરની આર્થિક પરિસ્થિતિ સારી ન હતી એ માટે લગ્ન નહોતા કર્યા, જ્યારે હવે અમે લગ્નવિધિ પૂરી કરીશું.


વાઇરલ કંકોત્રી.


પ્રકાશના બીજા લગ્નથી મને કાંઇ વાંધો નથી: કુસુમ ગાવિત- પહેલી પત્ની


કુસુમ ગાવિતે જણાવ્યું હતું કે મારા લગ્ન પ્રકાશ સાથે થઇ ગયેલા છે, પણ તેમના બીજા લગ્ન બાકી છે એટલે સમાજના રીતરિવાજ મુજબ કરવા પડે. પ્રકાશના બીજા લગ્નથી મને કાંઈ વાંધો નથી. લગ્ન પછી પણ અમે સાથે જ રહીશું. વર્ષોથી અમે બંને બહેનની જેમ રહીએ છીએ અને આગળ પણ એમ જ રહીશું.


પ્રકાશની પહેલી પત્ની કુસુમ


દહાણુ-બોરડીમાં પણ આવાં લગ્ન થયાં હતાં


આદિવાસી સમાજમાં યુવક-યુવતી વર્ષો સુધી લિવ-ઇન-રિલેશનશિપમાં રહ્યા બાદ બંને લગ્ન કરવાનો નિર્ણય કરે છે. બે વર્ષ પહેલાં વાપીની કંપનીમાં કામ કરતા યુવાનના દહાણુ-બોરડી ખાતે એક જ લગ્નમંડપમાં વરરાજાએ બે કન્યા સાથે લગ્ન કર્યાં હતાં. ત્યારે પણ સોશિયલ મીડિયામાં લગ્નપત્રિકા અને લગ્નના દિવસની તસવીરો વાઇરલ થઇ હતી.


પ્રકાશની બીજી પત્ની નયના।


બાળક થયા બાદ લગ્ન કરાતા હોય છે


કપરાડા આદિવાસી સમાજના આગેવાન હરીશભાઇએ જણાવ્યું હતું કે આદિવાસી સમાજમાં લગ્ન કર્યા વિના જ પતિ-પત્ની તરીકે સાથે રહે છે. બા‌ળક થયા બાદ લગ્ન કરાતા હોય છે. સમૂહલગ્નમાં પણ બાળકોનાં માતા-પિતા લગ્ન કરતાં હોય છે. બાળકોને સાથે રાખીને સમૂહલગ્નમાં ફેરા લેતા હોવાના અનેક કિસ્સાઓ અત્યારસુધી બની ચૂક્યા છે.

Post a Comment

0 Comments