થરાદથી અપહરણ કરાયેલ યુવકને હારિજના નાણા ગામના લોકોએ છોડાવી ચારને પોલીસના હવાલે કર્યા

થરાદ ખાતે પ્રેમિકા સાથે રહેતા એક યુવકનું કારમાં આવેલા અજાણ્યા શખ્સોએ અપહરણ કર્યું હતું. પણ હારિજના નાણાના ગ્રામજનોએ આડશો મૂકી કાર અટકાવીને તેમાં બેઠેલા શખ્સોને પકડી લઇ હારીજ પોલીસને જાણ કરી હતી અને પોલીસે ચારેય શખ્સોને પકડી અપહરણની ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી. જોકે અપહરણ કરનાર શખ્સો યુવતીના સબંધીઓ હોવાનું પોલીસની પુછપરછમાં બહાર આવ્યું હતું.
થરાદમાં રહેતા કરાટે કોચ કિશન ધનપાલભાઇ રાજપુત મૂળ.બોટાદના વતની છે. તેઓને રીટાબેન વનાભાઇ કોળી રહે.સાલૈયા તા.બોટાદ સાથે પ્રેમ સબંધ હોઇ બુધવારે રીટા આવી હતી અને થરાદ મુકામે ફ્લેટમાં રહેતા હતા શનિવારે 4 અજાણ્યા શખ્સોએ આવી થરાદ પોલીસમાં છીએ તેમ કહિને મોબાઈલ, બન્નેના ડોક્યુમેન્ટ, મોટર સાયકલ તથા ઘરની ચાવી મેળવી લઇ બન્નેને અલગ અલગ ગાડી બેસાડી દિધા હતા.રીટાને કયાંક અન્ય સ્થળે લઇ જવાઇ હતી જ્યારે કિશનને અજાણ્યા શખ્સો કાંકરેજના થરા તરફ લઇ ગયા હતા.ત્યાં તે બાથરૂમના બહાને નીચે ઉતરી ભાગવાની કોશિષ કરી હતી પણ પકડી લઇ માર મારીને ગાડીમાં બેસાડી રહ્યા હતા ત્યારે કોઇ બાઇક ચાલક પસાર થતાં કિશને આ લોકોએ મને કીડનેપ કરેલ છે જેથી ગાડીનો નંબર લઈ પોલીસને જાણ કરો તેમ કહેતાં જ ગાડી દોડાવી મુકી હતી.
નજીકના ગામના લોકોએ ગાડીને રોકવાની કોશીશ કરી પથ્થર પાઈપો મારતાં ગાડીનો આગળનો કાચ તુટી ગયો હતો પણ ગાડી ભાગી છૂટી હતી ત્યારે નાણા ગામના લોકોએ વાહનોની આડાશ કરી ગાડી રોકાવી દીધી હતી. કીશને તેને કીડનેપ કર્યો હોવાનું કહેતાં પોલીસને બોલાવી સોંપી દેવાયા હતા. આ અંગે કિશને હારીજ પોલીસ મથકે ફરીયાદ નોંધાવતાં પીએસઆઇ એ.બી.ભટ્ટે ચારેય શખ્સોને અટક કરી હારિજ કોર્ટમાં રજુ કરવાની તજવીજ હાથ ધરી હતી.

કયા કયા શખ્સો ઝડપાયા 
દિગંત ગુણવંતરાય ધોળકીયા રહે.બોટાદ
લક્ષ્મણભાઇ ધુળાભાઇ ડણીયા રહે.સાલૈયા
અજીતભાઇ વાહણભાઇ ઢોળીયા રહે. સાલૈયા
મુકેશભાઇ સનાભાઇ ઢોળીયા રહે. સાલૈયા