દિવાળીના તહેવારોમાં 6 રાજ્યોમાં ધોધમાર વરસાદ, હવે ગુજરાતનો વારો


રાજ્યમાં દિવાળીના તહેવાર ટાંકણે જ કમોસમી વરસાદનું સંકટ તોળાઇ રહ્યું છે. અરબી સમુદ્રમાં એક શક્તિશાળી વાવાઝોડું સર્જાયું છે. જેની અસર હેઠળ આગામી ચારથી પાંચ દિવસ રાજ્યમાં છૂટાછવાયા કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં માવઠાની સંભાવના વધુ છે. આ વાવાઝોડાને કયાર નામ આપવામાં આવ્યું છે.

હાલમાં આ વાવાઝોડું જેમ જેમ આગળ વધી રહ્યું છે તેમ તેમ વધુ મજબૂત બની રહ્યું છે. અને તે વેરી સિવિયર સાયકલોનમાં પરિવર્તિત થશ. વાવાઝોડાના કારણે સમુદ્રમાં પવનની ઝડપ પણ વધી રહી છે. રાજ્યના દરિયાકિનારાના વિસ્તારોમાં પવનની ગતિ તેજ થવા લાગી છે. જો કે હવામાન વિભાગ મુજબ આ વાવાઝોડુ ગુજરાતના દરિયાકિનારાથી દૂર ઓમાન તરફ ફંટાશે. પરંતુ આગામી ત્રણથી ચાર દિવસ સુધી રાજ્યમાં તેની અસર જોવા મળશે.. હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી આપી છે.

વાવાઝોડાના કારણે પાંચના મોત


હજુ પણ કેટલાક રાજ્યોમાં ચોમાસાની અસર જોવા મળી રહી છે. જ્યારે વાવાઝોડાને કારણે પણ સ્થાનિકોને માઠી અસર થઇ રહી છે. પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદ પડતા બે લોકો માર્યા ગયા છે. જ્યારે ગોવામા પણ વરસાદની ભારે અસર છે. ગોવામાં ત્રણ દિવસથી વરસાદ પડી રહ્યો છે.

ગોવાના સમુદ્રિ કિનારે સહેલાણીઓને ન જવા ચેતવણી

ગોવાના જે સમુદ્રી વિસ્તારો છે ત્યાં હાલ વાવાઝોડાને લઇને ચેતવણી જાહેર કરવામાં આવી છે અને માછીમારો સહીતનાને સાવચેત રહેવાની સુચના અપાઇ છે. જ્યારે ઓડિશામાં ભારે વરસાદે ત્રણ લોકોનો ભોગ લીધો હતો.ઓડિશામાં પણ ત્રણ દિવસથી વરસાદ પડી રહ્યો છે અને અહીં ત્રણ જિલ્લામાં વરસાદને કારણે દિવાલો પડવાની ઘટના સામે આવી હતી. જેમાં આ જાનહાની સર્જાઇ હતી.

ચાર રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ

દેશમાં ભારે વરસાદને કારણે અનેક લોકોના મોત નિપજ્યા છે. આ સ્થિતિ વચ્ચે મહારાષ્ટ્ર અને ગોવામાં ક્યાર નામના વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. હવામાન વિભાગે આ બન્ને રાજ્યોના લોકોને સમુદ્રી કિનારે સાવચેત રાખવાની સુચના આપી છે. હાલ ઓડિશા, મહારાષ્ટ્ર, ગોવા, પશ્ચિમ બંગાળમાં વરસાદ અને વાવાઝોડાને કારણે પ્રશાસન એલર્ટ છે. આ રાજ્યોમાં મળીને એક જ દિવસમાં આશરે પાંચ લોકોના મોત નિપજ્યા છે જ્યારે અનેક મકાનોને અસર થઇ છે.

મહારાષ્ટ્રમાં વાવાઝોડાનું અપાયું એલર્ટ


મહારાષ્ટ્રમાં ક્યાર વાવાઝોડાનું એલર્ટ આપવામાં આવ્યુ છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ક્યાર વાવાઝોડાના કારણે રત્નાગિરિ અને સિંધુદુર્ગમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ભારે પવનના કારણે દરિયામાં ઊંચા મોજા ઉછળી રહ્યા છે. દરિયા કાંઠાના વિસ્તારમાં ૧૧૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુકાઈ રહ્યો છે. હવામાન વિભાગનું કહેવુ છે કે, મહારાષ્ટ્રના રત્નાગિરિ, સિંધુદુર્ગ, રાયગઢ સહિત ગોવા, કર્ણાટકમાં પણ ભારે પવન સાથે વરસાદ પડી શકે છે. જેથી વહીવટી તંત્રને એલર્ટ કરવામાં આવ્યુ છે.