“મહા” વાવાઝોડાના પગલે ઉત્તર ગુજરાત આ વિસ્તારોમાં કરા સાથે ધોધમાર વરસાદ… જાહેર માર્ગો પર પાણી ભરાયા


ગુજરાત પર હાલ “મહા” વાવાઝોડા ના લીધે ઉત્તર ગુજરાતના વાતાવરણમાં પલ્ટો આવ્યો છે. આજે સાબરકાંઠા અને બનાસકાંઠાના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. વાવાઝોડાની અસર અને કમોસમી વરસાદના કારણે ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે.

બનાસકાંઠાના સરહદી વાવ અને થરાદ પંથકનાં ગામોમાં કરા સાથે વરસાદ પડ્યો હતો. જેને લઇ જાહેર માર્ગો પર પાણી ભરાઇ ગયાં હતાં. જેથી ખેડૂતોમાં માવઠાથી ભારે નુકસાનની ભીતિ જોવા મળી રહી છે. ત્યારે બીજી તરફ ખેડૂતોએ પોતાનો માલ ગંજ બજાર ચાલુ થતાં વેચવા માટે લાવ્યા હતા. સરકાર દ્વારા જ્યાં મગફળીની ખરીદી ચાલુ કરવામાં આવી હતી. ત્યા આ મગફળી પળડી જતા હાલ ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે.

મહા વાવાઝોડાની અસર…


મહા વાવાઝોડું ફૂંકાયુ હોવાના કારણે દરિયા કિનારે તેની અસર વર્તાઈ રહી છે. મહા વાવાઝોડાના પગલે પવનની ગતિમાં વધારો થશે ત્યારે ઉત્તર ગુજરાતમાં સિસ્ટમના કારણે આગામી ચાર દિવસ વાદળો ઘેરાશે અને વાદળછાયું વાતાવરણ રહેશે. સૌરાષ્ટ્ર તરફ વરસાદી છાંટા પડે તેવી સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. અરબી સમુદ્રમાં વાવઝોડું 9 કિ.મી.ની ઝડપે આગળ વધી રહ્યું છે. 5 અને 7 નવેમ્બર સૌરાષ્ટ્રના વેરાવળ અને કોડિનાર વચ્ચે 70થી 80 કિમી પ્રતિકલાકની ઝડપે ત્રાટકશે. વેરાવળ, ગીર સોમનાથ, પોરબંદર, જામનગર, દક્ષિણ ગુજરાતમાંના અનેક જિલ્લાઓમાં મહા વાવાઝોડાની વ્યાપક અસર જોવા મળી રહી છે.