શંકર ચૌધરીએ દિવાળીમાં વાવમાં કર્યું શક્તિપ્રદર્શન, અલ્પેશ ઠાકોરની તો કરી બાદબાકી પણ ભીડ જોઈ ભાજપ પસ્તાઈ હશે


પેટાચૂંટણીના પરિણામ બાદ હવે ભાજપના નેતાઓ દિવાળી સ્નેહ મિલન કાર્યક્રમના બહાને શક્તિ પ્રદર્શન કરી રહ્યાં છે. ઉત્તર ગુજરાતમાં ભાજપ હાઇકમાન્ડે શંકર ચૌધરીને ટીકીટ આપી ન હતી.આખરે ચૌધરી મતદારો નારાજ થયાં હતાં જેના કારણે ભાજપે રાધનપુર,થરાદ બેઠક ગુમાવવી પડી હતી. અલ્પેશ ઠાકોરની હાર થતાં હવે શંકર ચૌધરીને મોકળુ મેદાન મળ્યુ છે. આ જોતાં શંકર ચૌધરીએ વાવમાં દિવાળી સ્નેહ મિલન યોજીને શક્તિ પ્રદર્શન કર્યુ હતું તેમાં અલ્પેશ ઠાકોરને આમંત્રણ સુધૃધાં અપાયુ ન હતું.

એટલુ જ નહીં, શંકર ચૌધરીએ હવે સ્નેહમિલન થકી ભાજપની પ્રદેશ નેતાગીરીને એવો આડકતરો સંદેશો આપ્યો છેકે,ચૌધરી મતદારો શું કરી શકે છે.આમ, ઉત્તર ગુજરાતમાં પેટાચૂંટણીના પરિણામો બાદ આંતરિક ખેંચતાણ વધી છે કેમકે,થરાદ બેઠક હારી જતાં સાંસદ પરબત પટેલથી હાઇકમાન્ડ નારાજ થયું છે. આ ઉપરાંત અલ્પેશ ઠાકોર હારી જતાં મંત્રી દિલિપ ઠાકોર સહિતના નેતાઓની ખુશીનો પાર રહ્યો નથી.

મોદી થયા ભારોભાર નારાજ


ગુજરાતમાં પેટાચૂંટણીમાં ત્રણ બેઠકો ગુમાવતાં  વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત ભાજપની પ્રદેશ નેતાગીરીથી ભારોભાર નારાજ થયાં છે. 31મી ઓકટોબરની પૂર્વ સંધ્યાએ  વડાપ્રધાન અમદાવાદ એરપોર્ટ પર આવી પહોચ્યા હતાં જયાં તેમના ચહેરા પર નારાજગી સ્પષ્ટપણે જોવા મળી હતી.આ ઉપરાંત કેવડિયા કોલોની ખાતે એકતા દિવસની ઉજવણીથી ય મુખ્યમંત્રીથી માંડીને ભાજપના બધાય નેતાઓને અળગાં રાખવામાં આવ્યા હતાં. પેટાચૂંટણીના પરિણામોને પગલે હવે ગુજરાતના રાજકારણમાં કઇંક નવાજૂની થાય તેમ ભાજપના કાર્યકરોમાં જ ગણગણાટ છે.

હોમગ્રાઊન્ડમાં થયેલા પરાજયથી મોદી વ્યાકુળ


ગુજરાતમાં પેટાચૂંટણીના પરિણામોએ ભાજપને ચોકાવ્યું છે કેમકે, મહારાષ્ટ્ર અને હરિયાણામાં ય ભાજપના ધાર્યુ પરિણામ આવી શક્યુ નથી. તેમાય ગુજરાતમાં ય ત્રણ બેઠકો ગુમાવવાનો  વારો આવ્યો છે. વડાપ્રધાનના હોમ ગ્રાઉન્ડમાં જ પેટાચૂંટણીના પરિણામો વિપરીત આવ્યાં છે જેના કારણે નરેન્દ્ર મોદી પ્રદેશ નેતાગીરીથી માંડીને સરકારના મંત્રીઓથી ખફા છે. 31મી પૂર્વ સંધ્યાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ એરપોર્ટ પર આવી પહોચ્યા હતાં ત્યારે રાજ્યપાલ અને મુખ્યમંત્રી વિજય રૂપાણી એ ઉષ્માભેર સ્વાગત કર્યુ હતું. પણ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી સામે નજર સુધ્ધાં મિલાવી ન હતી.

વાઘાણીની વિદાય નિશ્ચિત


વડાપ્રધાનની બોડી લેંગ્વેજ જાણે  ઘણુ બધુ કહી દીધુ હતું જે ભાજપના કાર્યકરોમાં જ ચર્ચાનો વિષય બન્યો હતો. હવે પ્રમુખપદેથી જીતુ વાઘાણીની વિદાય નિશ્ચિત મનાય છે. દિવાળીના દિવસો જ અમદાવાદની મુલાકાતે આવેલાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તો સરકીટ હાઉસમાં બેઠક યોજી ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીનો રીતસરનો ઉઘડો લીધો હતો.પેટાચૂંટણીમાં રાધનપુર અને બાયડ બેઠકની જવાબદારી ગૃહમંત્રી પ્રદિપસિહ જાડેજાને શીરે હતી એટલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ભારોભાર નારાજ છે.

મુખ્યમંત્રી સહિતના નેતાઓ મોદીથી દૂર


આ ઉપરાંત સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં મુખ્યમંત્રી સહિતના મંત્રી,ભાજપના નેતાઓને દૂર રખાયાં હતાં. આ વાત ભાજપના કાર્યકરોમાં ચર્ચાનો મુદ્દો બન્યો હતો.સૂત્રોના મતે,સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે કાર્યક્રમ પૂર્ણ કરી અમદાવાદ એનેક્સી ખાતે વડાપ્રધાનની એક બેઠકનુ આયોજન કરાયુ હતું. આ બેઠકમાં મુખ્યમંત્રી,નાયબ મુખ્યમંત્રી ઉપરાંત સંગઠનના પદાિધકારીઓ સાથે ચર્ચા કરવા આયોજન કરાયુ હતું જે છેલ્લી ઘડીએ રદ કરાયું હતું.  આમ,પેટાચૂંટણીના પરિણામોના પડઘાં પડયાં છે. વડાપ્રધાન પણ ગુજરાતના નેતાઓથી નાખુશ છે.