બનાસકાંઠા ના સાંસદે ચૂંટણી પહેલાં સ્વીકારી હાર , એક બેઠકમાં હાર થાશે તો ભાજપને કોઈ ફરક નહીં પડે : પરબતભાઈ પટેલ
થરાદ : રાજ્યમાં યોજાનારી પેટા ચુંટણીમાં ઉત્તર ગુજરાતમાં ભાજપનો આંતરિક કલહ ચરમસીમાએ હોવાનું સામે આવી રહ્યું છે. એક તરફ સાંસદ પરબત પટેલનો વિરોધ થઇ રહ્યો છે. તેમ છતાં પરબત પટેલનો એક બેઠક હારવાથી ભાજપને કોઇ ફરક નહીં પડે તેવી શેખી મારતો વીડિયો વાયરલ થઇ રહ્યો છે.. તો બીજી તરફ ઉમેદવાર જીવરાજ પટેલની ચૂંટણી સભામાં પ્રજા ન ફરકતાં તેઓએ નારાજગી વ્યક્ત કરી હતી.
રાજ્યના 6 બેઠકોની પેટાચૂંટણી પૈકી થરાદ બેઠક પર ભાજપે માટે લોઢાના ચણા ચાવવા જેવી સ્થિતિ ઉભી થઇ છે. ભાજપમાં આંતરિક કલહ એટલો વધી ગયો છે કે અહીં ઉકળતા ચરુ જેવી સ્થિતિ છે. આવા સંજોગોમાં પ્રચાર કરી રહેલા સાંસદ પરબત પટેલના બફાટનો એક વીડિયો સામે આવ્યો છે. પ્રચાર દરમ્યાન લોકોની સંખ્યા ખૂબ જ ઓછી હોવાથી અકળાયેલા પરબત પટેલે શેખી મારતા કહ્યું કે આ તો પેટા ચૂંટણી છે. એકાદ બેઠક ભાજપને નહિં મળે તો તેમાં શું ફર્ક પડી જવાનો છે.
બીજી તરફ થરાદ બેઠક પરના ભાજપના ઉમેદવાર જીવરાજ પટેલનો વીડિયો પણ વાયરલ થયો છે. જેમાં જીવરાજ પટેલ સ્થાનિક નેતાઓનો રીતસર ઉધડો લેતા નજરે પડ્યા. જીવરાજ પટેલ પ્રચાર માટે તો નીકળ્યા પરંતુ નિયત સ્થળે એક પણ પ્રજાજનો ન દેખાતા જીવરાજ પટેલે બળાપો કાઢ્યો. ખાલી ખુરશીઓને જોતાં જ જીવરાજ પટેલે કટાક્ષમાં કહ્યું કે અહીં પ્રજા કરતા તો નેતાઓ વધુ છે.
આ તરફ શંકર ચૌધરીની નારાજગી પણ ભાજપને ભારે પડી શકે છે. થરાદ બેઠક પરથી ચૂંટણી લડવાની મહેચ્છા ધરાવતા શંકર ચૌધરીને ટિકીટ ન મળતા તેઓ નારાજ થયા છે. જેના કારણે હવે થરાદ ઉપરાંત રાધનપુર બેઠક પરના ચૌધરી મતદારો પણ ભાજપથી મોઢું ફેરવે તેવી શક્યતા છે. થરાદ અને રાધનપુર બેઠક પર ચૌધરી મતદારોની સંખ્યા ખુબ મોટી છે. જો ચૌધરી મતદારોમાં વિભાજન થાય તો ભાજપને ઘણો મોટો ફટકો પડી શકે તેમ છે.
0 Comments